KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
અપરાધ
આડેસર પોલીસ સ્ટેશનના PI પર ગેરવર્તનનો આરોપ
પૂર્વ કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે ભીમાસર ગામના રહેવાસી વિનોદભાઈ ધનાભાઈ ચૌહાણની સાથે ગેરવર્તન કરતા વિનોદભાઈ ધનાભાઇ ચૌહાણએ જિલ્લા પોલીસ વડાને લેખિત અરજી આપી આરોપ મૂક્યો છે કે દારૂના બુટલેગરો સામે રજૂઆત કરવા બદલ તેમની સાથે આડેસર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવી ગેરવર્તન અને મારપીટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ, ભીમાસર ગામમાં દેશી અને ઈંગ્લિશ દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું હોવાનું જણાવી અરજદારે અગાઉ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ કાર્યવાહી કરવાની જગ્યાએ દારૂના વેપારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં અરજીમાં જણાવાયું છે કે તા.૨૪/૦૪/૨૦૨૬ના રોજ આડેસર પોલીસ સ્ટેશનમાં વિનોદભાઈ ધનાભાઇ ચૌહાણને રૂબરૂ બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દારૂના વેપારીઓના કહેવાથી પોતાની ઉપર ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે. ફરિયાદીએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો માનવ અધિકાર મંચ સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.