હિંમતનગર, તા. ૮ મે ૨૦૨૬આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે હિંમતનગર સ્થિત કલેક્ટર કચેરીના પોળો હોલ ખાતે પ્રિ-મોન્સૂન રિવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ કર્યું હતું.બેઠકમાં ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સુમેળભરી કામગીરી સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સતર્ક રહીને કામગીરી કરવા તથા આપત્તિ વ્યવસ્થાપન પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી હતી.ચોમાસા દરમિયાન સંચાર વ્યવસ્થા સુદ્રઢ રહે તે માટે જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત રાખવા તેમજ દર બે કલાકે વરસાદની માહિતી અપડેટ કરવાની તાકીદ કરવામાં આવી હતી. સાથે જ તમામ મામલતદાર કચેરીઓના લેન્ડલાઈન ફોન કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી હતી.માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, રાજ્ય વીજ કંપની અને ફાયર વિભાગ સહિત તમામ લાઈન વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો અધતન રાખવા તેમજ તાલુકાવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકાયો હતો.કલેક્ટરશ્રીએ નીચાણવાળા વિસ્તારો, કોઝવે તથા પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળોની યાદી તૈયાર કરી સંબંધિત ગામોના તલાટી અને સરપંચોના સંપર્ક નંબર સાથેનો ડેટા તૈયાર રાખવા જણાવ્યું હતું. ચોમાસા પૂર્વે ગટર તથા નદી-નાળાની સફાઈ પૂર્ણ કરવા, જોખમી વૃક્ષોનું કટીંગ કરવા તેમજ ભારે વરસાદ દરમિયાન વીજ થાંભલા ધરાશાયી થાય તો તાત્કાલિક કામગીરી કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા પણ સૂચના આપવામાં આવી હતી.આ ઉપરાંત રસ્તાઓના ખાડા સમયસર પુરવા, ડેમોમાં બફર ઝોન જાળવવા તથા અંડરબ્રિજમાં પાણી ભરાય ત્યારે બેરિકેટિંગ કરીને અવરજવર રોકવા જેવી સુરક્ષાત્મક કામગીરી માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન માટે તરવૈયાઓ અને આપદામિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ લાઈફ બોયા, લાઈફ જેકેટ અને જનરેટર સહિતના બચાવ સાધનોનું વેરિફિકેશન કરવા ચર્ચા કરવામાં આવી હતી. જોખમી સ્થળોએ રેડિયમ ચિહ્નો મૂકવા તેમજ ભયજનક ઈમારતો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ ભાર મુકાયો હતો.બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રીમતી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.