ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા પંપ સંચાલકની અપીલ
DANG | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ડાંગ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: અફવાઓથી દૂર રહેવા પંપ સંચાલકની અપીલ
જિલ્લા પુરવઠા વિભાગ અને ઇન્ડિયન ઓઇલના અધિકારીઓ સતત સંપર્કમાં: કોઈ પણ પ્રકારની અછત નથી, ગ્રાહકો શાંતિ જાળવે મયુર મોકાશી આહવા (ડાંગ):છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ઈંધણની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ડાંગ જિલ્લાના વાહનચાલકો અને નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.જિલ્લામાં કાર્યરત 'યુનિટી એનર્જી' (ઇન્ડિયન ઓઇલ) પેટ્રોલ પંપના સંચાલક રાજેશભાઈ આહીરે જણાવ્યું છે કે, ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં ઇન્ડિયન ઓઇલ તરફથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત અને અવિરતપણે મળી રહ્યો છે. પંપ પર ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ કોઈપણ પ્રકારની 'પેનિક' (ભયભીત) સ્થિતિમાં આવવાની કે ચિંતા કરવાની જરૂર નથી.ખેડૂતો અને સામાન્ય જનતા માટે પૂરતી વ્યવસ્થાપંપ સંચાલકના જણાવ્યા અનુસાર, હાલમાં પંપ પર આવતા દરેક વાહનચાલકોને સામાન્ય દિવસોની જેમ જ સરળતાથી પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે. આ ઉપરાંત, ડાંગ જિલ્લાના ખેડૂતોને પણ તેમની ખેતીવાડીના સાધનો માટે સરકારી ગાઈડલાઈન મુજબ પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે.તંત્ર એલર્ટ મોડ પરઆ અંગે વધુ માહિતી આપતા તેઓએ ઉમેર્યું કે, કંપની (IOCL) ના ઉચ્ચ અધિકારીઓ સતત પંપના સંપર્કમાં છે અને પુરવઠો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપી રહ્યા છે. આ સાથે જિલ્લા પુરવઠા અધિકારીઓ પણ સમગ્ર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તંત્ર અને પંપ સંચાલકો વચ્ચેના સુમેળભર્યા સંકલનને કારણે જિલ્લામાં ઈંધણની કોઈ તંગી નથી, જેથી જનતાને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવી રાખવા અનુરોધ કરાયો છે.