ધારી અમરેલી રોડ પર મોડી રાત્રિના સમયે એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં એકસાથે 8 સિંહણના ટોળાએ રોડ ક્રોસ કર્યો હતો. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક જેસીબી (JCB) ચાલકે પોતાના મોબાઈલમાં આ અદભૂત દૃશ્યો કેદ કરી લીધા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, ધારી અને આસપાસનો રેવન્યુ વિસ્તાર સિંહોનું કાયમી રહેઠાણ બની ગયો છે, જેના કારણે અવારનવાર અહીં સિંહોની અવરજવર જોવા મળે છે.સમગ્ર ગુજરાત સહિત અમરેલી જિલ્લામાં હાલ ઉનાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે આ આકરી ગરમીની અસર વનરાજો પર પણ જોવા મળી રહી છે. દિવસભર ગરમ લૂ અને અસહ્ય તાપથી બચવા સિંહો ઝાડીઓમાં છુપાયેલા રહે છે, પરંતુ રાત્રિ થતાં જ ઠંડકની શોધમાં સિંહોના ટોળાં ખુલ્લા વિસ્તારો અને માર્ગો પર વિહરતા જોવા મળી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો વન્યજીવ પ્રેમીઓમાં આકર્ષણ જગાવી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા સ્થાનિકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને વન્યપ્રાણીઓને ખલેલ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.