ધરમપુરના સિંગારમાળમાં ખેડૂતોની જમીન પર વન વિભાગના દબાણ સામે આક્રોશ: કોંગ્રેસ નેતાઓએ ચીમકી ઉચ્ચારી
VALSAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ધરમપુરના સિંગારમાળમાં ખેડૂતોની જમીન પર વન વિભાગના દબાણ સામે આક્રોશ: કોંગ્રેસ નેતાઓએ ચીમકી ઉચ્ચારી
મયુર મોકાશી ધરમપુરના સિંગારમાળ મોટીકોરવળ ગામની સીમમાં વર્ષોથી ખેતી કરી ગુજરાન ચલાવતા આદિવાસી ખેડૂતોની જમીન પર વન વિભાગ દ્વારા ગેરબંધારણીય રીતે તાર ફેન્સિંગ અને પ્લાન્ટેશન માટે ખાડા ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ગત રવિવારે ગ્રામજનો અને સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય દેવુભાઈ મોકાશી દ્વારા આ કામગીરીને અટકાવ્યા બાદ, આજે તારીખ ૨૯ મેના રોજ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને પદાધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ખેડૂતો સાથે મુલાકાત કરી વન વિભાગની દાદાગીરી સામે લડત આપવાનું એલાન કર્યું છે.
શું છે મામલો?
ગામના ખેડૂતો પેઢીઓથી જે જમીન ખેડી રહ્યા છે, ત્યાં વન વિભાગ દ્વારા અચાનક કબજો મેળવવાના હેતુથી તાર ફેન્સિંગ અને ખાડા ખોદવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ મામલે રજૂઆત કરતા ખેડૂતોના સમર્થનમાં આજે પૂર્વ સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ સહિતના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા.કોંગ્રેસ નેતાઓની તીખી પ્રતિક્રિયાઆ પ્રસંગે પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વન વિભાગની આ કામગીરી સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કાયદા મુજબ જે ખેડૂતો ૫ વર્ષથી વધુ સમયથી જમીન ખેડતા હોય, તેમને ૧૦ એકર સુધીની જમીન મળવી જોઈએ તેવો સ્પષ્ટ કાયદો હોવા છતાં વન વિભાગ દ્વારા ખેડૂતોને તેમની જમીનથી વંચિત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આગામી રણનીતિ
સંગઠનના હોદ્દેદારો અને ખેડૂતોએ સંયુક્ત રીતે નિર્ણય લીધો છે કે, આ બાબતે તાત્કાલિક કલેક્ટર, RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને DFO (ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર) ને લેખિત રજૂઆત કરવામાં આવશે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આદિવાસી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા વન વિભાગના તાર-ખૂંટા ઉખેડી નાખવામાં આવશે અને ઉગ્ર જનઆંદોલન છેડવામાં આવશે.
પાંચમી અનુસૂચિના અધિકારોની યાદ અપાવી
આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય દેવુભાઈ મોકાશીએ બંધારણની 'પાંચમી અનુસૂચિ' અંતર્ગત આદિવાસીઓને મળેલા વિશેષ અધિકારોની માહિતી આપી હતી અને ખેડૂતોને તેમના હક માટે એકજૂથ થઈ લડવા હાકલ કરી હતી. કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતોની પડખે છે અને અન્યાય સામે અડીખમ ઊભી રહી લડત આપશે તેવી ખાતરી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય હિનાબેન વિપુલભાઈ રાઉત અને ધરમપુર તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ગુંદિયા તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કાકડ, ધામણી તાલુકા પંચાયત સદસ્ય સવિતાબેન વિનયભાઈ બારીયા, આસપાસની ગ્રામ પંચાયતના સરપંચ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.