ચૌહાણ સંજય જેતપુર, ૨૮ મે:જેતપુર, નવાગઢ બલદેવધાર વિસ્તારમાં થયેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં જેતપુર ઉદ્યોગનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી .ફરિયાદીએ નોંધાવેલી વિગત મુજબ, ગત તારીખ ૨૪/૦૫/૨૦૨૬ની રાત્રિથી ૨૫/૦૫/૨૦૨૬ની સવાર દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ફરિયાદીના ઘરના આંગણામાં ઊંઘતી વખતે તેમના ઓશિકા નીચે રાખેલી ઘરની ચાવીની ચોરી કરી હતી. ત્યારબાદ ચાવી વડે મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, રૂમનું તાળું ખોલી અને તિજોરી (પેટી) માંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૬,૯૫,૦૦૦/- ની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ, શંકાસ્પદ ઇસમોની પૂછપરછ તેમજ FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી.દરમિયાન સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.બી.ગઢવી, પો.હેડ.કોન્સ. નીલેશભાઈ મકવાણા, અજયભાઈ રાઠોડ અને પો.કોન્સ. ચેતનભાઈ ઠાકોરને સંયુક્ત બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ લઈને એક ઇસમ મોટરસાયકલ પર ડેરડી ગામથી જેતપુર તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જેતપુરના ડેરડી રોડ, કચરાના ડમ્પિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ રૂ. ૭,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પકડાયેલ આરોપી કેતન ઉર્ફે લાલો અગાઉ વિરપુર પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આ સફળ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એચ. શર્મા, પીએસઆઈ કે.બી. ગઢવી, નીલેશભાઈ મકવાણા, હિતેશભાઈ વરૂ, અજયભાઈ રાઠોડ, ચેતનભાઈ ઠાકોર અને સંજયભાઈ પરમારની ટીમને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.