ઓનલાઇન દવાઓના વેચાણ સામે કેમિસ્ટોમાં આક્રોશ: પલસાણા તાલુકાના 150થી વધુ મેડિકલ સ્ટોર્સ રહ્યા બંધ
SURAT | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ઓનલાઇન દવાઓના વેચાણ સામે કેમિસ્ટોમાં આક્રોશ: પલસાણા તાલુકાના 150થી વધુ મેડિકલ સ્ટોર્સ રહ્યા બંધ
ઓનલાઇન ફાર્મસી કંપનીઓ દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થતું હોવા તેમજ યુવાધનમાં નશાકારક દવાઓના વધતા દૂષણ સામે સમગ્ર દેશના કેમિસ્ટોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે દેશવ્યાપી વિરોધ નોંધાવવા માટે આજે તા. 20 મેના રોજ રાષ્ટ્રવ્યાપી મેડિકલ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પલસાણા તાલુકામાં પણ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.રાષ્ટ્રીય આંદોલનના ભાગરૂપે પલસાણા તાલુકા કેમિસ્ટ એસોસિએશન દ્વારા સંપૂર્ણ બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ ભાવેશ ગાંધી દ્વારા સત્તાવાર જાહેરાત કરતા જણાવાયું હતું કે ઓનલાઇન દવા કંપનીઓ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી જોખમી નીતિઓ અપનાવી રહી છે. સાથે જ બજારમાં અસ્વાભાવિક ડિસ્કાઉન્ટ આપી નાના વેપારીઓને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહી છે. જેના વિરોધમાં આજ રોજ પલસાણા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવ્યા હતા.આ હડતાલમાં તાલુકાના 150થી વધુ મેડિકલ સ્ટોર સંચાલકોએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખીને સક્રિય વિરોધ નોંધાવ્યો હતો. કેમિસ્ટોના જણાવ્યા મુજબ ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ, નકલી અને પ્રતિબંધિત દવાઓની ઉપલબ્ધતા તથા નિયમોના ભંગને કારણે સામાન્ય ગ્રાહકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને યુવાઓમાં નશાકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થવાને કારણે સમાજમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આંદોલનને વધુ મજબૂત બનાવવા સુરત ઝોનના અંદાજે 7 હજાર જેટલા કેમિસ્ટો પણ એકજૂથ થયા હતા. પલસાણા તાલુકાના વેપારીઓએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા ઓનલાઇન દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જો કે, બંધ દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ અને હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેથી કોઈ ગંભીર આરોગ્ય સંકટ સર્જાય નહીં.