પલસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
SURAT | By Akhand Bharat Team | Published:
અપરાધ
પલસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલ.સી.બી. ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ચાર ગુનાઓનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 4,34,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાઓએ મકાનોમાં બારી-દરવાજાના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને ગંભીરતાથી લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., પેરોલ ફલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ દરમિયાન CCTV ફૂટેજ તથા અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મળેલી બાતમીના આધારે બલેશ્વરના બિલાલનગર વિસ્તારમાં ખાનભાઈની ચાલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશોરભાઈ રતિલાલ ઉર્ફે રતુભાઈ દેવીપૂજક, હરેશભાઈ ગોપાળભાઈ દેવીપૂજક, કાજલબેન હરેશભાઈ દેવીપૂજક, ફિરોઝ સાદીક અંસારી તથા ભુરીબેન રતિલાલ દેવীપૂજકનો સમાવેશ થાય છે. જ્યારે પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવીપૂજક હાલ વોન્ટેડ હોવાનું પોલીસએ જણાવ્યું છે. આરોપીઓના રહેઠાણમાંથી ટીવી, સ્પીકર, પ્રોજેક્ટર, મોબાઇલ ફોન, પંખા, ગાદલા, સાડીઓ, રસોડાના વાસણો, એમ્પ્લીફાયર સહિતનો મોટો ચોરીનો સામાન તેમજ એક ઓટો રિક્ષા મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પલસાણા વિસ્તારમાં નોંધાયેલા ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ આચર્યા હતા. ઉપરાંત સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મોબાઇલ તથા અન્ય નાની-મોટી ચોરીઓમાં સંડોવણી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલુ છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી. પાંચાણી, પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરિયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.