તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળતા ખેડૂતોમાં ભારે રોષ
TAPI | By Akhand Bharat Team | Published:
અપરાધ
તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળતા ખેડૂતોમાં ભારે રોષ
તાપી જિલ્લાના સોનગઢ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળતા ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે. તાલુકાના છેવાડાના ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ખાતરના ડેપો પર પહોંચી રહ્યા છે, જ્યાં યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. મળતી માહિતી મુજબ અનેક ખેડૂતો ગઈકાલે સાંજના આઠ વાગ્યાથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા અને આખી રાત ડેપો બહાર જ વિતાવવી પડી હતી.ખેડૂતો સાથેની સીધી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે કામધંધો અને ખેતીના અન્ય કાર્યો છોડીને માત્ર યુરિયા ખાતર મેળવવા માટે આખી રાત રાહ જોવી પડી રહી છે. સવાર થતા ખાતર વિક્રેતાઓ દ્વારા ટોકન આપવામાં આવ્યા હતા, છતાં ખેડૂતોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. અન્નદાતા તરીકે ઓળખાતા ખેડૂતો આજે પોતાના હક્કના ખાતર માટે તડકો, થાક અને મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.ખાસ વાત એ રહી કે ખાતર માટે લાગેલી આ લાંબી લાઈનમાં મહિલાઓ તથા વૃદ્ધ ખેડૂતોની સંખ્યા પણ મોટી જોવા મળી હતી. વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડતા માનવતાના પ્રશ્નો પણ ઉભા થયા હતા. અનેક મહિલાઓએ જણાવ્યું કે પરિવાર અને ખેતીની જવાબદારીઓ વચ્ચે આખી રાત ખાતર માટે રાહ જોવી ખૂબ મુશ્કેલ બની રહી છે.ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન બાદ વરસાદી માહોલ જામતો હોય છે અને ગમે ત્યારે વરસાદ શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર યુરિયા ખાતર ન મળે તો વાવણી અને પાક બંને ઉપર ગંભીર અસર પડી શકે છે. ખેડૂતોને ભય છે કે જો વહેલી તકે પૂરતું ખાતર ઉપલબ્ધ નહીં થાય તો પાકને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ વધુ બગડી શકે છે.સ્થાનિક ખેડૂતોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે દર વર્ષે ખાતરની અછત અને લાંબી કતારો જેવી સમસ્યાઓ સામે આવતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા અગાઉથી યોગ્ય આયોજન કેમ કરવામાં આવતું નથી? ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે જેથી અન્નદાતાઓને હાલાકીમાંથી રાહત મળી શકે.