*વૈશ્વિક બજારમાં ગીરની કેસર કેરીની ધૂમ: GI ટેગ સાથે ગુજરાતની કેરી પહોંચી સમંદર પાર*૦૦૦૦૦૦*જૂનાગઢની શાન ‘ગીર કેસર’: આધુનિક ટેકનોલોજી અને GI ટેગના સંગમથી વૈશ્વિક ઓળખ મજબૂત બની*૦૦૦૦૦*સ્વાદ અને સુગંધનો રાજા ‘ગીર કેસર’: ગુજરાતના કેસર બેલ્ટમાંથી ૩ લાખ મેટ્રિક ટનથી વધુનું ઉત્પાદન*૦૦૦૦૦*'કેસર'ની સોડમ અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા....સુધી પહોંચી*૦૦૦૦૦૦*નિકાસના આસમાને ગીર કેસર: કેશોદ કાર્ગો હબ અને અપેડા રજીસ્ટ્રેશનથી ખેડૂતોને મળશે ફાયદો*૦૦૦૦૦ જૂનાગઢ,તા. ૧૧ જૂનાગઢ અને ગીર વિસ્તારની “ગીર કેસર” કેરી ગુજરાતને પણ આગવી ઓળખ અપાવે છે. તેની અનોખી મીઠાશ, આકર્ષક કેસરિયા રંગ, સુગંધ અને રસાળ પલ્પને કારણે આ કેરી દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય બની છે. ગીરના વિશિષ્ટ હવામાન, જમીન અને કુદરતી પરિસ્થિતિઓને કારણે અહીં ઉત્પન્ન થતી કેરીમાં વિશેષ ગુણવત્તા જોવા મળે છે. ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો વર્ષોથી પરંપરાગત રીતે કેસર કેરીનું ઉત્પાદન કરતા આવ્યા છે, જેના કારણે આ વિસ્તાર “કેસર બેલ્ટ” તરીકે પણ ઓળખાય છે. તેમાં પણ કેસરને વર્ષ ૨૦૧૧માં ભૌગોલિક સંકેત (Geographical Indication – GI Tag) પ્રાપ્ત થયો. આમ, “ગીર કેસર” નામને કાનૂની સુરક્ષા મળી છે અને ગીર વિસ્તાર સિવાય અન્યત્ર ઉત્પન્ન થતી કેરીને આ નામથી વેચી શકાતી નથી. આ માન્યતા મળવાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનીયતા અને વધુ સારો ભાવ મળવા લાગ્યો છે. ગુજરાતના GI ટેગ ધરાવતા કૃષિ ઉત્પાદનોમાં ગીર કેસરનું વિશેષ સ્થાન છે અને તે રાજ્યની કૃષિ ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે. ગીર કેસર કેરીનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યું છે. હાલમાં ગુજરાતમાં અંદાજે ૪૪,૦૦૦ હેક્ટર વિસ્તારમાં કેસર કેરીની ખેતી થાય છે અને સરેરાશ ૩.૧૫ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. જેમા મુખ્યત્વે કેરી પકવતા જિલ્લાઓમા જૂનાગઢ જીલ્લામા ૯૫૧૦ હેક્ટર, ગીર સોમનાથ જીલ્લામા ૧૯૧૮૩ હેક્ટર, અમરેલી જીલ્લામા ૮૨૪૩ હેક્ટરમા વાવતેર થયેલ છે, જેનુ સરેરાસ અંદાજીત ઉત્પાદન ૨.૬૦ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમા તાલાળા માર્કેટ યાર્ડ ગીર કેસરનું સૌથી મોટું વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં દર વર્ષે લાખો બોક્સ કેરીની હરાજી થાય છે. કેસર કેરીનું મુખ્ય સિઝન એપ્રિલ થી જૂન સુધી ચાલે છે. ગીર કેસર કેરીની આંતરરાષ્ટ્રીય માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં ગીર કેસરની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૫-૨૬(એપ્રીલ સુધી) અંદાજે ૫૩૫ મેટ્રીક ટન, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આશરે ૮૫૬ મેટ્રિક ટન, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન આશરે ૬૮૯ મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ હતી, જેમાં ગીર કેસરનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો. જે પૈકી અમેરીકા અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો કે જ્યા રેડીયેશન પ્રક્રીયા જરૂરી છે તે માટે બાવળા ખાતે સ્થાપિત રેડિયેશન પ્રોસેસિંગ યુનિટ દ્વારા લગભગ ગત વર્ષમા અંદાજે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીને પ્રક્રિયા કરી વિદેશમાં મોકલવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી કુલ ૩૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ નોંધાઈ છે, જે રાજ્યના ખેડૂતો માટે ગૌરવની બાબત છે. ગીર કેસર કેરીની નિકાસને વધુ પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટ ખાતે વિશેષ કાર્ગો અને એક્સપોર્ટ હબ વિકસાવવાની યોજના હાથ ધરાઈ છે. આ સુવિધાથી ખેડૂતોને મુંબઈ અથવા અન્ય શહેરોમાં કેરી મોકલવાની જરૂરિયાત ઓછી થશે અને ઓછા ખર્ચે સીધી નિકાસ શક્ય બનશે. GI ટેગ, આધુનિક નિકાસ સુવિધાઓ અને વૈશ્વિક માંગના કારણે ગીર કેસર કેરી આજે માત્ર ફળ નહીં પરંતુ ગુજરાતની કૃષિ સમૃદ્ધિ, ખેડૂતોની મહેનત અને વૈશ્વિક ગુણવત્તાનું પ્રતિક બની ગઈ છે. કેરી અથવા અન્ય કોઇ પણ બાગાયતી પેદાશો કે જે વિદેશમા નિકાસ કરવાની થતી હોય તેના માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે.