પલસાણા તાલુકાના ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજરોજ 'વરેલી ક્રિકેટ ક્લબ' દ્વારા આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન (સીઝન-3) નો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહીયાવંશી સમાજના યુવાનોમાં ખેલદિલી વધે અને સામાજિક એકતા મજબૂત થાય તેવા ઉમદા હેતુ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજનની મુખ્ય વિશેષતાઓ એ હતી કે આઈપીએલ જેવો રોમાંચ હતો આ ટુર્નામેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું માળખું આઈપીએલ (IPL) જેવું રાખવામાં આવ્યું છે. અહીં ખેલાડીઓની પસંદગી 'ઓક્શન' (હરાજી) પદ્ધતિથી કરવામાં આવી છે. પલસાણા તાલુકામાંથી કુલ 8 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આ તમામ મેચો પલસાણા તાલુકાના ડાંભા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે.આ પ્રસંગે વરેલી ક્રિકેટ ક્લબના પ્રતિનિધિ રાજ વરેલીયાએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ અને આ અમારી ત્રીજી સીઝન છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય માહ્યાવંશી સમાજના તમામ યુવાનોને એક મંચ પર લાવવાનો અને સમાજનું નામ રોશન કરવાનો છે. ઓક્શન પદ્ધતિને કારણે અલગ-અલગ ગામના ખેલાડીઓ એક જ ટીમમાં રમે છે, જેનાથી ભાઈચારો અને સંપ વધે છે."આ પ્રસંગે આયોજકોએ સમાજના અગ્રણીઓ અને યુવાનોનો આભાર માનતા જણાવ્યું હતું કે, સમગ્ર મહીયાવંશી સમાજ તરફથી આ ટુર્નામેન્ટને અભૂતપૂર્વ સહકાર અને પ્રોત્સાહન મળી રહ્યું છે.આ ટુર્નામેન્ટને જોવા માટે સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને મેદાન પર ખેલાડીઓનો ઉત્સાહ જોવા જેવો છે.