
General
દિયોદરના મીની અંબાજી સણાદર ધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન: ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો
દિયોદરના મીની અંબાજી સણાદર ધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન: ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો
દિયોદરના મીની અંબાજી સણાદર ધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સંપન્ન: ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના મીની અંબાજી તરીકે સુપ્રસિદ્ધ સણાદર ધામ ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે યોજાયેલો બે દિવસીય પરંપરાગત મેળો શનિવારે સાંજે અત્યંત ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
શુક્રવારે બપોરે ૪:૦૦ કલાકે મંદિરના મહંતશ્રી અંકુશગીરી બાપુ, તાલુકાના અગ્રણીઓ અને ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં આ મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. શુક્રવાર સાંજથી જ દિયોદર, ભાભર, સુઇગામ, કાંકરેજ, ઓગડ, રાધનપુર, લાખણી અને ડીસા સહિત આસપાસના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો પગપાળા તથા પોતાના વાહનો મારફતે માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે ૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં સીસ નમાવી ધન્યતા અનુભવી હતી.
૫૦,૦૦૦થી વધુ ભક્તોએ લીધો ભોજન પ્રસાદ
મેળા દરમિયાન મંદિર પરિસર ખાતે દૂર-દૂરથી આવેલા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ચા-પાણી અને રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પચાસ હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહંત શ્રી અંકુશગીરી બાપુએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવ્યા હતા.
સેવાભાવી કેમ્પો અને મનોરંજન બન્યા આકર્ષણનું કેન્દ્ર
મેળા દરમિયાન દિયોદર-ભાભર રોડ તેમજ મંદિરની આસપાસ અનેક દાતાઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો યોજાયા હતા. જેમાં બજરંગ ફાઉન્ડેશન (રાજુભાઈ એન. માળી), ભારત વિકાસ પરિષદ-દિયોદર, ગેલેક્સી ગ્રુપ-દિયોદર, પંચાલ સમાજ અને ક્ષેત્રપાળ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક ચા, નાસ્તો, ગરબા તેમજ ઓરકેસ્ટ્રા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં ખાણી-પીણીના સ્ટોલ, હાટડીઓ અને બાળકો માટેના ચકડોળ તથા મનોરંજનના સાધનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે દિયોદર પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
VAV-THARAD












































































