બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ‘MY ભારત નર્મદા ખેલો ઇન્ડિયા સંવાદ’ યોજાયો
આદિવાસી યુવાનો ૨૦૩૬ ઓલિમ્પિક્સમાં ચમકે તેવી સાંસદ જશુભાઈ રાઠવાની આશા
નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ખાતે ‘MY ભારત નર્મદા ખેલો ઇન્ડિયા સંવાદ’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે છોટાઉદેપુરના માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રમતગમત અને યુવા સશક્તિકરણ અંગેના દૂરંદેશી વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ખેલો ઇન્ડિયા’ અને ‘MY ભારત’ જેવા માધ્યમોથી ગ્રામીણ તેમજ આદિવાસી વિસ્તારોમાં રહેલી પ્રતિભાઓને વૈશ્વિક મંચ મળી રહ્યો છે.
સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રમતગમત ક્ષેત્રેના વિઝનને કારણે દેશના યુવાનોને આગળ વધવાની નવી તકો મળી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ‘ખેલો ઇન્ડિયા’ના માધ્યમથી આદિવાસી યુવાનો પોતાની પ્રતિભા સાબિત કરી વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક્સમાં ભારતનું નામ રોશન કરશે.
૨૦૪૭ના વિકસિત ભારત નિર્માણમાં યુવાશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ
કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ઉપસ્થિત યુવાનોને સંબોધ્યા હતા. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પ અને સ્વપ્ન અંગે વિગતવાર વાત કરી હતી. દેશના વિકાસમાં યુવાશક્તિ તેમજ રમતગમતના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવી યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત
આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સલર શ્રી મધુકર રાય પાડવી, કબડ્ડી ગોલ્ડ મેડાલિસ્ટ શ્રી રવિ કુમાર, MY ભારતના યુવા ડેપ્યુટી ડિરેક્ટર શ્રી પંકજ યાદવ સહિત યુનિવર્સિટીના અધ્યાપકો, MY ભારતના સભ્યો તથા NSSના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દ્વારા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેલી રમતગમતની પ્રતિભાઓને પ્રોત્સાહન આપી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.