*ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી : શંકાસ્પદ લુઝ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો*
________________
*ડીસામાંથી ૪૩૪ કિગ્રા શંકાસ્પદ ઘી જપ્ત:સલામત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવા તંત્ર સતર્ક.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા તા. ૨૪/૦૮/૨૦૨૬ના રોજ ડીસા ખાતે શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ટી.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફટી ઓફિસરશ્રી એચ.વી. ગુર્જર તથા ફૂડ સેફટી ઓફિસરશ્રીઓ એમ.એલ. ગુર્જર અને કે.કે. ચૌધરી દ્વારા દેવીપૂજક વાસ, ડીસા ખાતે આવેલ મે. માવજત ફુડ પ્રોડકટસની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાઈ આવ્યું હતું.
તપાસ દરમિયાન પેઢીમાંથી લુઝ ઘીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને ગુણવત્તા ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂના લીધા બાદ પેઢી ખાતે બાકી રહેલ લુઝ ઘીનો ૪૩૪ કિ.ગ્રા. જથ્થો, જેની કિંમત રૂ. ૨,૪૯,૫૫૦/- થાય છે, તેને જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પેઢીના માલિક શ્રી પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતાં તેમની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેના આધારે નિયમોનુસાર વધુ કાર્યવાહી કરવામાં આવશે.
એહવાલ : પરમાર સંજયભાઈ