હિંમતનગર, તા. ૨૭: પ્રજાજનોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે હેતુસર ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હિંમતનગર શહેરની હોટેલ, રેસ્ટોરેન્ટ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઓફિસર તથા ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ની મોબાઈલ ટીમ દ્વારા સંયુક્ત રીતે કુલ ૩૯ વેપારી પેઢીઓની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયેલા ૪ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેને વધુ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ની મોબાઈલ લેબ દ્વારા કુલ ૩૨ ખાદ્ય સામગ્રીનું સ્થળ પર જ ગુણવત્તા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક અને અખાદ્ય જણાયેલા કુલ ૫૨.૬ કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા ખાદ્ય પદાર્થોની અંદાજિત કિંમત રૂ. ૬,૬૫૦ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત નિયમોનું સંપૂર્ણ પાલન ન કરતી તેમજ સફાઈ અને ગુણવત્તામાં ખામી જણાયેલી ૨ વેપારી પેઢીઓને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. સંબંધિત પેઢીઓને ખામીઓ તાત્કાલિક દૂર કરવા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા, અખાદ્ય સામગ્રીનું વેચાણ કરનારા તેમજ સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ સઘન તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.