ઝઘડિયા તાલુકાનો મામલો: શંકાના વહેમમાં થયેલ ઝઘડામાં યુવક પર કુહાડીથી હુમલો થતા યુવક ઘવાયો
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ઝઘડિયા તાલુકાનો મામલો: શંકાના વહેમમાં થયેલ ઝઘડામાં યુવક પર કુહાડીથી હુમલો થતા યુવક ઘવાયો
ભાલોદ તા.૨૯ ઓગસ્ટ '૨૬
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે પત્ની સામે જોવા બાબતે ઊભા થયેલા શંકાના વહેમમાં એક યુવક પર કુહાડીના પાછળના ભાગ (મુંદર)થી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનામાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ઝઘડામાં મારનો ભોગ બનેલ ૩૨ વર્ષીય યુવક ગત તારીખ ૨૮ ઓગસ્ટના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે ગામમાં આંટો મારવા ગયો હતો, ત્યારબાદ પોતાના મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન રયજીભાઈ વસાવા નામનો ઇસમ અચાનક હાથમાં લોખંડની કુહાડી સાથે ધસી આવ્યો હતો. રયજી વસાવાએ યુવક સાથે ગાળાગાળી કરીને તુ મારી પત્નીને કેમ જોયા કરે છે? તારે મારી પત્ની સાથે શું છે? તેમ કહી ઝઘડો કર્યો હતો.યુવકે આમાં પોતાની કોઈ સંડોવણી ન હોવાનું જણાવવા છતાં ઉશ્કેરાયેલા રયજીએ તેના હાથમાં રહેલી કુહાડીનો લોખંડનો મુંદરવાળો ભાગ યુવકના માથામાં કપાળથી ડાબી આંખના ઉપરના ભાગે મારી દીધો હતો. હુમલાના કારણે યુવકને ગંભીર ઇજાઓ થતા ભારે લોહી વહેવા લાગ્યું હતું. આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળે કુહાડી ફેંકી ભાગી છૂટ્યો હતો. અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.મારામારીની આ ઘટના બાબતે આરોપી રયજી વસાવા સામે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.