કણાવ PHC વિસ્તારમાં હોટલોમાં આરોગ્ય વિભાગની સરપ્રાઈઝ વિઝિટ
SURAT | By Akhand Bharat Team | Published:
હેલ્થ
કણાવ PHC વિસ્તારમાં હોટલોમાં આરોગ્ય વિભાગની સરપ્રાઈઝ વિઝિટ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના કાર્યક્ષેત્ર હેઠળ આવતી હિમાલયા હોટલ અને સંતોષ હોટલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અચાનક મુલાકાત લઈ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ હોટલોમાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા તેમજ અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનો હતો.
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મધુકુમાર ઇન્જામુરી, તાલુકા સુપરવાઈઝર હસમુખભાઈ પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના કરણસિંહ ચૌહાણ અને નરેશ ઝીંઝાળા સહિતની ટીમે બંને હોટલની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓની સ્થળ પર ચકાસણી કરી હતી.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલ પરિસરની સ્વચ્છતા, જરૂરી લાઇસન્સ અને દસ્તાવેજો, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તથા સલામતી અને ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે તપાસ કરવામાં આવી હતી. સાથે જ હોટલ સંચાલકોને જાહેર આરોગ્યની દૃષ્ટિએ જરૂરી સ્વચ્છતા જાળવવા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત હોટલમાં જરૂરી દસ્તાવેજો અને અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા સુચારુ રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની અચાનક મુલાકાતને પગલે હોટલ સંચાલકોમાં નિયમોના પાલન અંગે જાગૃતિ આવે અને ગ્રાહકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત તથા સુરક્ષિત ખાદ્ય સેવાઓ મળી રહે તે દિશામાં આ કામગીરી મહત્વપૂર્ણ બની રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જાહેર આરોગ્યને લગતી બાબતોની ચકાસણી માટે આવી કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.