શણકોઇ ગામનો યુવક મોટરસાયકલ લઇને પાનોલી જીઆઇડીસીમાં નોકરીએ જતો હતો તે દરમિયાન ચંદ્રવાણ નજીક અકસ્માત થયો
ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત થયું હતું,બોલેરો ગાડીની ટક્કરે બાઇક સવાર ૨૪ વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો હતો.મળતી વિગતો મુજબ ડેડીયાપાડા-નેત્રંગ રોડ પર આવેલા ચંદ્રવાણ ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨૪ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શણકોઈ ગામના મોતી ફળિયામાં રહેતો અનિલ લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ. ૨૪) પોતાની નવી બાઇક લઈને પાનોલી જીઆઇડીસી ખાતેની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો, તે દરમિયાન ચંદ્રવાણ ગામે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક મહિન્દ્રા બોલેરો ગાડીએ બાઇકને જોરદાર અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં અનિલ વસાવાને શરીરે, મોઢાના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ મારફતે તેને પ્રથમ નેત્રંગ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના સંદર્ભે મૃતકની નાની રેમતીબેન કંચનભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે બોલેરો ગાડીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નેત્રંગ પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.નેત્રંગ પંથકમાં દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે,તેને લઇને લોકોમાં ચિંતા ફેલાઇ છે.