નલિયા:
નલિયા ગામના મફતનગર વિસ્તારના કોલીવાસ તેમજ સથવારા વાસમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે માનવતાભરી અનોખી પહેલ જોવા મળી હતી.
સામાન્ય રીતે જ્યાં જવામાં લોકો ખચકાતા હોય છે, એવા આ વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઈઓ તેમજ રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ સાથે મળીને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે બહેનોએ બાળકોને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી અને ત્યારબાદ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ સાથે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોએ ભાઈઓને વ્યસનથી દૂર રહેવા અને કોઈપણ પ્રકારનું વ્યસન નહીં કરવાનો સંકલ્પ પણ લેવડાવ્યો હતો.
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પર્વ નથી, પરંતુ સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાભાવનો સંદેશ આપતું પર્વ પણ છે. મફતનગરના આ કાર્યક્રમ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી તેમને પોતાના પરિવારનો હિસ્સો હોવાનો અહેસાસ કરાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સેવા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનો આ સંદેશ નલિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.