*હુસેનાબાદ ગામે સોચ ખાડામાં પડેલા આખલાનો સફળ બચાવ, ગ્રામ પંચાયતની અગાઉની રજૂઆતો ફરી ચર્ચામાં*
માંગરોળ, તા. માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામમાં એક આખલો અચાનક સોચ ખાડામાં પડી જતાં ગામમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ હુસેનાબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જે. એચ. પીરજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગામલોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
ગામલોકોના જણાવ્યા મુજબ આ આખલો લાંબા સમયથી ગામમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધો તેમજ શાળામાં જતા નાના બાળકોને વારંવાર ત્રાસ આપતો હતો. જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હુસેનાબાદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જે. એચ. પીરજીએ સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી અને આખલાને પકડી પાંજરાપોળમાં મોકલવાની માંગણી પણ કરી હતી.
ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆતોનો મુખ્ય હેતુ ગામના નાગરિકો, ખાસ કરીને કેજીથી લઈને ઉચ્ચ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તથા અન્ય રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવાનો હતો. ગ્રામજનોનું કહેવું છે કે સંબંધિત તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય.
– પત્રકાર: હસનભાઈ પીરજી