બાલીસણાની સીમમાંથી ૧.૦૯૬ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોપ્રાંતિજ પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.૫૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો, બે આરોપીઓની શોધખોળ શરૂ
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
અપરાધ
બાલીસણાની સીમમાંથી ૧.૦૯૬ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોપ્રાંતિજ પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ.૫૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો, બે આરોપીઓની શોધખોળ શરૂ
પ્રાંતિજ: પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બાલીસણા ગામની સીમમાં એક રહેણાંક મકાનમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે દરોડો પાડી એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા હિંમતનગર વિભાગના ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી શ્રી સ્મીત ગોહિલની સૂચના અને માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિંહ દિલીપસિંહ અને સંદિપકુમાર ઇશ્વરભાઈને બાતમી મળી હતી કે, બાલીસણા ગામની સીમમાં રહેતો રમેશસિંહ સરદારસિંહ મકવાણા પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરે છે.
બાતમીના આધારે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરમિયાન આરોપીના કબજાના રહેણાંક મકાનમાંથી ૧ કિલો ૯૬ ગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, વજનકાંટો તેમજ પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાના જથ્થા સહિત કુલ રૂ.૫૮,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી રમેશસિંહ સરદારસિંહ મકવાણા, રહે. બાલીસણા ગામની સીમ, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠાને ઝડપી પાડ્યો હતો.
આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૬૧૦૪૫/૨૦૨૬ હેઠળ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-૧૯૮૫ની કલમ ૮(સી), ૨૦(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન અશોક નામનો શખ્સ, જે અંકલેશ્વર-ભરૂચ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ અસલમ નામના શખ્સની સંડોવણી સામે આવી છે. બંનેના સંપૂર્ણ નામ-સરનામાની વિગતો મેળવવા તેમજ તેમને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.
કબજે કરાયેલ મુદ્દામાલ
ગાંજો ૧ કિલો ૯૬ ગ્રામ – અંદાજિત કિંમત રૂ.૫૪,૮૦૦
મોબાઇલ ફોન – રૂ.૩,૦૦૦
વજનકાંટો – રૂ.૫૦૦
પ્લાસ્ટિકની નાની થેલીઓ નંગ-૧૦ તથા વાદળી રંગની પ્લાસ્ટિકની થેલી નંગ-૧
આધારકાર્ડ સહિતનો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે.