*ભિલોડામાં મહિલા સરપંચો અને બાલિકા પંચાયતની દીકરીઓ માટે નેતૃત્વ વિકાસ અને સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો*
રાજ્ય સરકાર દ્વારા આયોજિત *નારી વંદન ઉત્સવ–૨૦૨૬* અંતર્ગત આજે ભિલોડા ખાતે તાલુકાની મહિલા સરપંચો તેમજ બાલિકા પંચાયતની દીકરીઓ માટે *મહિલા નેતૃત્વ વિકાસ અને સશક્તિકરણ કાર્યક્રમ* નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ, નિર્ણય લેવાની શક્તિમાં વધારો તેમજ સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી, મામલતદાર ભિલોડા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિઓ, બાળ વિકાસ યોજના અધિકારી (ઘટક–૧ અને ૩), મુખ્ય સેવિકાઓ, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહિલા નેતૃત્વના વિકાસ, પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા, ગ્રામ વિકાસમાં મહિલાઓના યોગદાન, બાલિકા પંચાયતની રચના અને તેની કામગીરી, આંગણવાડી કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, મહિલા અને બાળકી કેન્દ્રિત વિવિધ સરકારી યોજનાઓ, સ્વરક્ષણ (Self Defence), સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો તેમજ મહિલાઓના કાનૂની અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓએ ઉપસ્થિત મહિલા સરપંચો અને કિશોરીઓને આત્મવિશ્વાસપૂર્વક નેતૃત્વની ભૂમિકા નિભાવવા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અસરકારક ભાગીદારી નોંધાવવા, પોતાના અધિકારો અને ફરજો અંગે જાગૃત રહેવા તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયત દ્વારા ગામના વિકાસ, બાળ અધિકારોના સંરક્ષણ, બાળલગ્ન નિવારણ, શિક્ષણ પ્રોત્સાહન, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર બાલિકા પંચાયતની દીકરીઓનું પ્રશંસાપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય દીકરીઓને પણ સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરણા મળી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા સરપંચો, બાલિકા પંચાયતની દીકરીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર મયંક સોની
9898245145