ભરૂચ જિલ્લા જેલમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
ભરૂચ જિલ્લા જેલમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી
ભાલોદ તા.૨૮ ઓગસ્ટ
શ્રી ખોડલધામ મહિલા સમિતિ, ભરૂચ જિલ્લા દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલ ખાતે એક વિશેષ અને સંવેદનશીલ કાર્યક્રમનું આયોજન જીલ્લા મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. મહિલા સમિતિની બહેનોએ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈઓને રાખડી બાંધીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
પરિવારથી દૂર જેલના સળિયા પાછળ રહેતા બંદીવાન ભાઈઓ પણ રક્ષાબંધનના પર્વની લાગણી અનુભવી શકે તેવા ઉમદા હેતુથી શ્રી ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શૈલાબેન પટેલ તથા તેમની ટીમ, શ્રી ખોડલધામ ભરૂચ શહેર સમિતિ કન્વીનર પિયુષભાઈ રૂપાપરા, સંદિપ ભાઇ પટેલ તથા હોદ્દેદાર બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી. બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કેદી ભાઈઓના કપાળે કુમકુમ તિલક કરી, મોં મીઠું કરાવી તેમના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તેમના દીર્ઘાયુષ્ય તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી.
બહેનોના સ્નેહ અને વહાલભર્યા વર્તનને જોઈને અનેક બંદીવાન ભાઈઓ ભાવુક બન્યા હતા. આ પ્રસંગે મહિલા સમિતિના પ્રતિનિધિઓએ કેદી ભાઈઓને સજા પૂર્ણ થયા બાદ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈને સન્માનભેર નવું જીવન શરૂ કરવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત ભરૂચ જીલ્લા જેલના સ્ટાફ, પોલીસ સ્ટાફ ના ભાઇઓને પણ શ્રી ખોડલધામ મહિલા સમિતિ ની બહેનો દ્વારા રક્ષાસુત્ર બાંધ્યું હતું,
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લા જેલ પ્રશાસન, જેલ અધીક્ષક અને જેલ સ્ટાફે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. સમગ્ર જેલ પરિસરમાં ભાઈ-બહેનના અતુટ સ્નેહ અને પારિવારિક લાગણીસભર માહોલ સર્જાયો હતો.