લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી એ.આર.એસ. સખીદા કોલેજના ખેલાડી બુધાભાઈ પરાલિયાની ઓલ ઈન્ડિયા ક્રોસકન્ટ્રી ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેમણે તાજેતરમાં યોજાયેલી 10 કિલોમીટર ક્રોસકન્ટ્રી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે બુધાભાઈની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓલ ઈન્ડિયા ક્રોસકન્ટ્રી ટીમ માટે પસંદગી થઈ છે. તેઓ હવે ઓલ ઈન્ડિયા સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે.
બુધાભાઈની આ સિદ્ધિથી કોલેજ અને લીંબડી શહેરનું નામ રોશન થયું છે. તેમની પસંદગીથી કોલેજના રમતગમત વિભાગમાં ખુશીનો માહોલ છે. આ ઉપલબ્ધિ માત્ર કોલેજ માટે જ નહીં, પરંતુ સમગ્ર લીંબડી માટે ગૌરવની બાબત બની છે. આ સિદ્ધિ બદલ ખેલાડી બુધાભાઈ પરાલિયા અને તેમના માર્ગદર્શક, શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ. વી. એ. પરમારને લીંબડી કેળવણી મંડળના ટ્રસ્ટી પ્રકાશભાઈ સોની, કોલેજના પ્રિન્સિપાલ પ્રો. કે. એમ. ઠક્કર અને સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા છે. કોલેજના રમતગમત વિભાગ દ્વારા ખેલાડીઓને સતત યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેના પરિણામે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધારી રહ્યા છે.