બનાસકાંઠા: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ડીસા GIDCમાં આવેલી ‘મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ’ પેઢી પર અચાનક તપાસ દરમિયાન મોટી માત્રામાં ભેળસેળયુક્ત લાલ મરચું મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન 3,500 કિલોથી વધુ લાલ મરચાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મરચાના પાવડરમાં કૃત્રિમ કેમિકલ રંગ (ડાઈ), ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર ભેળવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
ફૂડ સેફ્ટી વિભાગે જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેળસેળયુક્ત મસાલા સામેની આ કાર્યવાહીથી નફાખોર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. લોકો પણ મસાલા ખરીદતી વખતે ગુણવત્તા અને પેકિંગ અંગે સાવચેત રહે તેવી અપીલ કરવામાં આવે છે.