ધોળકા શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે ધોળકા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધોળકા ક્ષત્રિય ઠાકોર સમાજ ખાતે રહેતા રાજેશભાઈ વેલાજી ઠાકોરના મકાનમાં રેડ કરવામાં આવતા જમીનમાં દાટીને રાખવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે રાજેશભાઈ વેલાજી ઠાકોર પોતાના રહેણાંક મકાનની સામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો જમીનમાં દાટીને ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની કુલ 37 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ.5,550 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ દારૂ અને બિયરનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જોકે, પોલીસની રેડ દરમિયાન રાજેશભાઈ વેલાજી ઠાકોર સ્થળ પર મળી આવ્યા ન હતા. આ મામલે આરોપી વિરુદ્ધ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.