ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત ૪૧ સ્ટોન આર્ટિઝન્સ અને ૪૨ તબલા વાદકોની વિશેષ મુલાકાત*
MEHSANA | By Akhand Bharat Team | Published:
મનોરંજન
ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત ૪૧ સ્ટોન આર્ટિઝન્સ અને ૪૨ તબલા વાદકોની વિશેષ મુલાકાત*
સહભાગીઓએ હેરિટેજ વોક દ્વારા વડનગરના ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો અને પ્રાચીન વારસાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું*
*વડનગરની ઐતિહાસિક ભૂમિ પર શિલ્પ, સંગીત અને માટીકળાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો*
*મહેસાણા, ૦૨ ઓગસ્ટ ૨૦૨૬*
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત પૌરાણિક અને વારસાના શહેર વડનગર ખાતે ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની સમૃદ્ધ લોકકળા અને શિલ્પ-સ્થાપત્યની પરંપરાને જીવંત રાખતા વિવિધ કલાકારોએ વડનગરની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં અંબાજી સ્થિત ‘સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ’ (SAPTI) ના ૪૧ સ્ટોન આર્ટિઝન્સ ઉપરાંત તબલા વાદન ગ્રુપ (૪૨ કલાકારો) તથા માટીના રમકડાં બનાવવાની પ્રાચીન પરંપરાને જાળવી રાખનાર માટીકળા કલાકારના પરિવારે ખાસ હાજરી આપી હતી.
સહભાગીઓએ સૌપ્રથમ હેરિટેજ વોક દ્વારા વડનગરના ઐતિહાસિક શિલ્પ-સ્થાપત્યો અને પ્રાચીન વારસાનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું. વડનગરની અજોડ શિલ્પકળા સ્ટોન આર્ટિઝન્સ માટે ખાસ પ્રેરણાદાયી બની રહી હતી.
કાર્યક્રમ દરમિયાન માટીકળાના કલાકાર પરિવાર દ્વારા તૈયાર કરાયેલા પરંપરાગત માટીના રમકડાં અને સ્ટોન આર્ટિઝન્સ દ્વારા નકશીકામ કરેલી વિવિધ કલાકૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ બિરદાવી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમમાં તબલા વાદન ગ્રુપ દ્વારા એકસાથે કરવામાં આવેલી તાલબદ્ધ રજૂઆતે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમના અંતે તમામ કલાકારો અને સહભાગીઓએ વડનગર મ્યુઝિયમની મુલાકાત લઈ વડનગરના હજારો વર્ષ જૂના ઈતિહાસ અને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષો વિશે માહિતગાર થયા હતા.સમગ્ર આયોજન અંતર્ગત વડનગરની ઐતિહાસિક ભૂમિ પર શિલ્પ, સંગીત અને માટીકળાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.