કામદારોના હક્કો અને પડતર માંગણીઓને લઈને જાફરાબાદમાં એક દિવસીય ધરણા-પ્રદર્શન
AMRELI | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
કામદારોના હક્કો અને પડતર માંગણીઓને લઈને જાફરાબાદમાં એક દિવસીય ધરણા-પ્રદર્શન
જાફરાબાદ: કામદારોના હક્કો અને લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓને લઈને જાફરાબાદ ખાતે એક દિવસીય ધરણા-પ્રદર્શન યોજાયું હતું.
નર્મદા સિમેન્ટ પ્લાન્ટના ગેટ સામે આવેલા ભૂતડા દાદા મંદિર ખાતે સવારે ૮:૦૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ધરણા-પ્રદર્શન યોજાયું હતું.
અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘની વિંધ્યાચલ ખાતે યોજાયેલી કાર્યકારીણીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે જાફરાબાદમાં પણ આ ધરણા-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધરણા દરમિયાન કામદારો દ્વારા મુખ્યત્વે વેજ બોર્ડ સેટલમેન્ટનો તાત્કાલિક અમલ કરવા, કોન્ટ્રાક્ટર કામદારોનો CMA સેટલમેન્ટમાં સમાવેશ કરવા તેમજ કામદારોના હિતને લગતી વિવિધ પડતર માંગણીઓનો વહેલી તકે નિકાલ કરવા માંગ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કામદારોએ એકતા અને સંગઠિત શક્તિનો પરિચય આપ્યો હતો. કામદારોના હક્કો અને હિતોને ધ્યાનમાં રાખી સરકાર તેમજ કંપની મેનેજમેન્ટ દ્વારા તેમની પડતર માંગણીઓનો યોગ્ય, ન્યાયસંગત અને ઝડપી નિકાલ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.
આ ધરણા-પ્રદર્શનમાં ઓલ ઇન્ડિયા મહાસંઘના પ્રમુખ સુરેશભાઈ સાંખટ, જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીના પ્રમુખ ભાવિનભાઈ સાંખટ, જનરલ સેક્રેટરી બાબુભાઈ કછોટ સહિત યુનિયનના હોદ્દેદારો અને સભ્યો, એમ્પ્લયોય તેમજ કોન્ટ્રાક્ટર કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: જીજ્ઞેશ બારૈયા