કડી, શનિવાર.ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ(IPS) અને મહેસાણા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગત ૪ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ કડી પોલીસ સ્ટેશનમાં બદલી થઈને આવેલા પીએસઆઈ આર.બી. દવેએ ચાર્જ સંભાળતા જ ગુનેગારો પર ધોંસ બોલાવવાનું શરૂ કરી દીધું છે. કડી પી.આઈ. એ.એસ. રબારીના માર્ગદર્શન અને પીએસઆઈ આર.બી. દવેની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કડી સર્વેલન્સ સ્ટાફના આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર જેમલભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેવગઢ (કસવા) ગામની સીમમાંથી ચોરીના ટ્રેક્ટર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મહિપતભાઈ પરબતભાઈ પરમાર (ઉં.વ. ૨૬, રહે. માધુપુર, તા. તાલાલા, જિ. ગીર સોમનાથ) ને જીજે-૦૨-ઈઆર-૭૫૪૯ નંબરના ટ્રેક્ટર સાથે દબોચી લીધો હતો. તેની સઘન પૂછપરછ દરમિયાન તેના અન્ય એક સાગરીત જયેશભાઈ કાનજીભાઈ નગરભાઈ રાવળ (ઉં.વ. ૨૨, રહે. માથાસુર રાવળવાસ, તા. કડી) નું નામ પ્રકાશમાં આવ્યું હતું, જેથી પોલીસે તેને પણ ઉંટવા પાટિયા પાસેથી ઝડપી લીધો હતો.કુલ ₹૩,૬૦,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કરાયોપોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનું ટ્રેક્ટર (કિંમત ₹૩,૦૦,૦૦૦/-), વિસતપુરા ગામમાંથી ચોરાયેલી મોટરસાયકલ નં. જીજે-૦૨-ડીજી-૧૩૮૭ (કિંમત ₹૩૦,૦૦૦/-) તેમજ કલોલ શહેરમાંથી ચોરાયેલી અન્ય એક મોટરસાયકલ (એન્જિન નં. HA10EWFHJ41077, કિંમત ₹૩૦,૦૦૦/-) સહિત કુલ રૂપિયા ૩,૬૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી પ્રફુલ નીમાભાઈ નાનજીભાઈ મોરવાડીયા (ઠાકોર) (રહે. કડી) હાલ ફરાર હોઈ તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છેપોલીસ રેકોર્ડ મુજબ, આરોપી જયેશભાઈ રાવળ અગાઉ પણ કડી અને લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ચોરી તથા પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે મહિપતભાઈ પરમાર વિરૂદ્ધ રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. ૪ ઓગસ્ટે બદલી થઈને આવેલા પીએસઆઈ દવે અને કડી પોલીસની આ આક્રમક કામગીરીથી સ્થાનિક ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.