એરંડાની ખેતી સાથે એરી રેશમ ઉછેર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્રિય રેશમ બોર્ડ અને રાજ્ય સરકારનું સયુંકત આયોજન*
*મહેસાણા જિલ્લાના એરંડા પકવતા ખેડૂતોને વૈજ્ઞાનિક તાલીમ અને મજબૂત બજાર જોડાણ પુરૂ પાડી આર્થિક રીતે સદ્ધર બનાવવામાં આવશે*
*મહેસાણા: ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬:*
મહેસાણા જિલ્લામાં એરંડા આધારિત એરી રેશમ ઉછેરના વિકાસ અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાના ઉમદા હેતુ સાથે ‘મેરા રેશમ મેરા અભિમાન 2.0’ અંતર્ગત જિલ્લા કક્ષાની હિતધારક પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રિય રેશમ બોર્ડના સંશોધન વિસ્તરણ કેન્દ્ર, અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંકલનથી મહેસાણાના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ઉપલબ્ધ એરંડાની ખેતીના વ્યાપનો ઉપયોગ કરી એરી રેશમ ઉછેરને વધારાની આવકના સ્ત્રોત તરીકે વિકસાવવાનો અને ખેડૂતો સુધી આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી પહોંચાડી મજબૂત બજાર વ્યવસ્થા ઉભી કરવાનો છે.
આ કાર્યક્રમમાં કૃષિ અને બાગાયત વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગ્રામ વિકાસ તંત્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિભાગ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિવિધ વિભાગોના અધિકારીઓએ કાસ્ટર આધારિત એરી સેરિકલ્ચરના વિકાસ માટે પરસ્પર સહયોગ અને સંસ્થાકીય સંકલનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ઉપસ્થિત વિવિધ સંસ્થાઓએ ખેડૂતોના હિતમાં સંયુક્ત પ્રયાસો હાથ ધરવાની મક્કમતા દર્શાવી હતી.
કેન્દ્રિય રેશમ બોર્ડના અમદાવાદ સ્થિત એકમ પ્રભારી અને વૈજ્ઞાનિક-સી ડૉ. મહેશ ડી. એસ. દ્વારા ‘મેરા રેશમ મેરા અભિમાન 2.0’ યોજનાની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. તેમણે મહેસાણા જિલ્લામાં એરી રેશમ ઉછેરની વ્યાપક સંભાવનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લાની ખેતી પદ્ધતિમાં એરંડાનો પાક મુખ્ય હોવાથી અહીં રેશમ કીડા ઉછેર માટે અનુકૂળ વાતાવરણ છે. તેમણે ખેડૂતોને અપાનારી તકનીકી સહાય, ગુણવત્તાયુક્ત ચૉકી કીડાની ઉપલબ્ધતા, તાલીમ અને રિયરિંગ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સાથે જ તેમણે ખેડૂતોના ઉત્પાદનને બજાર સાથે સાંકળવાની ભાવિ રૂપરેખા પણ રજૂ કરી હતી.
મહેસાણા જિલ્લા કૃષિ વિભાગના ઇન્ચાર્જ ડીડીએ/ડીએઓ શ્રી એસ. એસ. પટેલે આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે કૃષિ વિભાગ ફિલ્ડ સ્તરે કેન્દ્રિય રેશમ બોર્ડ સાથે ખભેખભા મિલાવીને કામ કરશે. તેમણે ખાતરી આપી હતી કે વિભાગના ફિલ્ડ અધિકારીઓ દ્વારા ખેડૂતોને જરૂરી તમામ પાયાની સુવિધાઓ અને સહયોગ પૂરો પાડવામાં આવશે જેથી એરી રેશમ ઉછેર છેવાડાના ખેડૂત સુધી પહોંચી શકે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી એચ. એન. મેવાડાએ ઉદ્યોગસાહસિકતાના દૃષ્ટિકોણથી રેશમ ઉદ્યોગમાં રહેલી નવી તકો અને નિકાસની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. એલ. ડી. પરમારે એરંડાના પાક વ્યવસ્થાપન સાથે રેશમ કીડાના ઉછેરનું સંતુલન કેવી રીતે જાળવવું તે અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે બજાર વ્યવસ્થા અનિવાર્ય હોવાથી મુરાતા ઇમ્પેક્સ લિમિટેડના શ્રી અંકુજ મિત્તલે એરી રેશમના કોકૂનની ખરીદી અને કુદરતી રેશમના વધતા બજાર વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તેમણે ઉદ્યોગ જગત તરફથી ખેડૂતોના ઉત્પાદનને સીધું જ બજાર સાથે જોડવાની તૈયારી દર્શાવી હતી.
કાર્યક્રમમાં એરી રેશમ ઉછેર સાથે સંકળાયેલા અનુભવી ખેડૂતોએ પણ પોતાના અનુભવો અને સફળતાની ગાથા અન્ય ખેડૂતો સાથે વર્ણવી હતી. બેઠકના અંતિમ તબક્કામાં ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે પ્રશ્નોત્તરી દ્વારા સીધો સંવાદ યોજાયો હતો, જેમાં તકનીકી અને સંસ્થાકીય સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા, કલ્યાણ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન અને BAIF જેવી સંસ્થાઓના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો. સમગ્ર પરામર્શ બેઠક ‘ટેકનોલોજી ટ્રાન્સફર, સંકલન, અને બજાર જોડાણ’ દ્વારા મહેસાણાના ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના સંકલ્પ સાથે સંપન્ન થઈ હતી.