DEVBHUMI DWARKA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
ઓખા આર કે ડાલડા બંદર
૧૫ ઓગસ્ટની આતુરતાપૂર્વક રાહ જોતા ઓખા, આર.કે. અને ડાલડા બંદરના સાગરખેડૂઓ: બોટોને શણગારવા અને દરિયો ખેડવા માટે જોરશોરથી તૈયારીઓ શરૂઓખા:આગામી ૧૫ ઓગસ્ટ એટલે કે આપણા દેશના સ્વતંત્રતા પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ઓખા, આર.કે. બંદર અને ડાલડા બંદરના માછીમારો તેમજ સાગરખેડૂઓમાં એક અનોખો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. પોતાની બોટ માછીમારી માટે સૌથી પહેલા દરિયામાં રવાના થાય તે માટે સાગરખેડૂઓ દ્વારા બંદરો પર અત્યારથી જ જોરશોરથી ચોતરફ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.દર વર્ષની પરંપરા મુજબ, ચોમાસા દરમિયાન માછીમારી પર લાદવામાં આવેલો પ્રતિબંધ ૧૫ ઓગસ્ટના રોજ પૂર્ણ થાય છે. આ પવિત્ર દિવસે દેશની શાન સમાન આપણો રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ દેશભક્તિના માહોલમાં લહેરાવવામાં આવશે. ધ્વજવંદનના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમ બાદ સત્તાવાર રીતે સાગરખેડૂઓને દરિયો ખેડવાની (માછીમારી કરવાની) મંજૂરી અને રજા આપવામાં આવશે. દરિયાઈ સુરક્ષા અને નિયમોને આધીન રહીને આ વર્ષે પણ માછીમારો ૧૫ ઓગસ્ટ પછી પોતાની નવી સીઝનનો પ્રારંભ કરશે.હાલમાં ત્રણેય બંદરો પર માછીમારો દ્વારા બોટોનું સમારકામ, જાળની મરામત, એન્જિનની ચકાસણી અને રાશન-પાણીની વ્યવસ્થા જેવી આખરી ઓપ આપવાની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે. દરેક સાગરખેડૂની ઈચ્છા સીઝનની શરૂઆતમાં જ સૌથી પહેલા દરિયામાં જઈને સારો વ્યવસાય મેળવવાની હોય છે. ૧૫ ઓગસ્ટના ધ્વજવંદન બાદ તરત જ આ ત્રણેય બંદરો પરથી સેંકડો બોટો એકસાથે દરિયાના મોજાંઓને ચીરવા માટે રવાના થશે, જેના કારણે બંદરો ફરી એકવાર ધમધમી ઉઠશે.?