પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
હેલ્થ
પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાનને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન
ધોળકા, તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬: ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારે પાંચમા પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીનલકુમારી અશોકસિંહ કુંપાવતને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાન છેલ્લા ચાર વર્ષ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની ૩૨૦૦ શાળાના બે લાખ બાળકોએ છ લાખ વેસ્ટ બોટલો એકત્રિત કરી હતી. ત્યારબાદ વધુ ૧૨૫ શાળાના ૩૦ હજાર વિદ્યાર્થીઓ દ્વારા બે લાખ બોટલો એકત્રિત કરવામાં આવી હતી. આમ, કુલ આઠ લાખ ઈકો-બ્રિક્સ બોટલો એકત્રિત કરવાનો નોંધપાત્ર આંકડો પાર કરવામાં આવ્યો છે.
આ અનોખી સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા લેવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન રેકોર્ડનું પ્રમાણપત્ર બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ શ્રી દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા શ્રી રજનીભાઈ પટેલ તથા કેડિલાના વરિષ્ઠ વ્યવસ્થાપક શ્રી દવે સાહેબના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કપડવંજની વાર્તાનો વડલો પ્રાથમિક શાળાના મિનેષ પ્રજાપતિ તથા દોસ્ત ફાઉન્ડેશનના અનિલ રોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિકમુક્ત શાળા અભિયાન દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા, પર્યાવરણનું જતન કરવા તેમજ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.