રક્ષાબંધન પહેલાં જ સમીના રણાવાડામાં જમીન વિવાદ લોહિયાળ બન્યો: બહેનની નજર સામે ભાઈની નિર્મમ હત્યા, સમી પોલીસે ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓને ઝડપ્યા.
PATAN | By Akhand Bharat Team | Published:
અપરાધ
રક્ષાબંધન પહેલાં જ સમીના રણાવાડામાં જમીન વિવાદ લોહિયાળ બન્યો: બહેનની નજર સામે ભાઈની નિર્મમ હત્યા, સમી પોલીસે ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓને ઝડપ્યા.
પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે ત્રણ વીઘા કુટુંબી જમીનના વેચાણ દસ્તાવેજ પર સહી કરવાની બાબતે થયેલી તકરારમાં યુવકની તેના જ કુટુંબીજનો દ્વારા અમાનુષી હત્યા કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં જ બહેનની આંખો સામે ભાઈનું મોત નીપજતાં સમગ્ર પાટણ જિલ્લામાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે.દસ્તાવેજ પર સહી ના પાડતાં જીવલેણ હુમલો:મળતી માહિતી મુજબ, રણાવાડાના રહીશ નિકુલ પેથાભાઈ વાલ્મિકી પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. આ દરમિયાન પરિવારની ત્રણ વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલતી હતી. કુટુંબીજનો નિકુલ પાસે વેચાણ દસ્તાવેજ પર સહી કરાવવા માંગતા હતા, પરંતુ નિકુલે સહી કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં બોલાચાલી ઉગ્ર બની હતી. આ તકરારમાં નિકુલના મોટા બાપુ ગેમરભાઈ પુંજાભાઈ વાલ્મિકી, કાકા મનુભાઈ પુંજાભાઈ વાલ્મિકી અને કુટુંબી ભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મિકીએ એકસંપ થઈ લાકડી અને સાંબેલા જેવા હથિયારો વડે નિકુલ પર તાબડતોબ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે નિકુલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.બચાવવા પડેલી માતા-બહેન પણ ઈજાગ્રસ્ત, બે બાળકોએ છત્રછાયા ગુમાવી:નિકુલ પર થઈ રહેલા હુમલાને જોઈ તેને બચાવવા માટે વચ્ચે પડેલી તેની માતા અને બહેનને પણ આરોપીઓએ ગડદાપાટુનો માર માર્યો હતો. રક્ષાબંધન પહેલાં જ બહેનની નજર સામે ભાઈની હત્યા થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ બનાવને કારણે મૃતક નિકુલના બે નાનકડા બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.સમી પોલીસની ત્વરિત કાર્યવાહી – આરોપીઓ જેલહવાલે:ઘટનાની જાણ થતાં જ સમી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાધનપુરના ઇન્ચાર્જ SDPO DySP કુણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓ—ગેમરભાઈ વાલ્મિકી, મનુભાઈ વાલ્મિકી અને અશોકભાઈ વાલ્મિકીને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે.સમી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે અને ઘટના અંગે વધુ તપાસ ચલાવી રહી છે.રિપોર્ટર :-દશરથ ઠાકોર