હિંમતનગર, તા. 2 ઓગસ્ટ, 2026
રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમની અસર હેઠળ સાબરકાંઠા જિલ્લામાં વરસાદનો માહોલ યથાવત્ રહ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા રવિવારે સવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલુ ચોમાસા દરમિયાન જિલ્લામાં કુલ સરેરાશ 13.56 ઇંચ વરસાદ વરસ્યો છે, જે છેલ્લા 30 વર્ષના સરેરાશ 35.2 ઇંચ વરસાદની સરખામણીએ 38.49 ટકા જેટલો થાય છે.
જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઇડર તાલુકામાં સૌથી વધુ 2.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત હિંમતનગરમાં 1.68 ઇંચ, વડાલીમાં 1 ઇંચ, પોશિનામાં 0.96 ઇંચ, ખેડબ્રહ્મામાં 0.68 ઇંચ, પ્રાંતિજમાં 0.60 ઇંચ, તલોદમાં 0.36 ઇંચ અને વિજયનગરમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલમાં જણાવાયું છે.
ચાલુ ચોમાસાની કુલ વરસાદી સ્થિતિ પર નજર કરીએ તો તલોદ તાલુકો 23.04 ઇંચ વરસાદ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યો છે. ત્યારબાદ પ્રાંતિજમાં 18.84 ઇંચ, હિંમતનગરમાં 17.24 ઇંચ, ઇડરમાં 12.64 ઇંચ, વિજયનગરમાં 11.72 ઇંચ, પોશિનામાં 9.80 ઇંચ, વડાલીમાં 8.20 ઇંચ તથા ખેડબ્રહ્મામાં 6.96 ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ તલોદમાં 67.92 ટકા, પ્રાંતિજમાં 54.14 ટકા, હિંમતનગરમાં 49.14 ટકા, વિજયનગરમાં 34.43 ટકા, ઇડરમાં 31.54 ટકા, પોશિનામાં 28.99 ટકા, વડાલીમાં 23.11 ટકા તથા ખેડબ્રહ્મામાં 20.16 ટકા વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદી-નાળા, જળાશયો અને નીચાણવાળા વિસ્તારોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ નાગરિકોને ભારે વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવા, નદી-નાળાઓમાં અવરજવર ટાળવા તેમજ સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.