*હુસેનાબાદ ગામે જાહેર શૌચાલયનું ખાતમુહૂર્ત, હિંદુ-મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ*
માંગરોળ તા. માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે ગ્રામ પંચાયત દ્વારા જાહેર શૌચાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જે. એચ. પીરજી, ઉપસરપંચ શ્રી કાસમ સુલેમાન બેરા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ વાત એ રહી કે ગામના મામાદેવ મંદિર ખાતે લાંબા સમયથી રહેલી માંગને ધ્યાનમાં રાખી હિંદુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. હિંદુ અને મુસ્લિમ સમાજના લોકો એક સાથે રહીને કાર્યક્રમમાં જોડાતા સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનું સુંદર દૃશ્ય સર્જાયું.
પ્રસંગે સરપંચ શ્રી જે. એચ. પીરજીએ જણાવ્યું કે ગ્રામ પંચાયત ગામના તમામ સમાજના લોકોની જરૂરિયાતોને સમાન પ્રાથમિકતા આપી વિકાસના કાર્યો કરી રહી છે. ગામમાં એકતા, ભાઈચારો અને સર્વાંગી વિકાસ જળવાઈ રહે તે માટે સૌના સહકારથી આવા જનહિતના કાર્યો સતત કરવામાં આવશે.
કાર્યક્રમના અંતે ગામના આગેવાનોએ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો અને ગામના વિકાસ માટે સૌએ મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
પત્રકાર : હસન પીરજી