વેડચ અને ઉબેર ગામે અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ, ગ્રામજનો અને દૂધ ઉત્પાદકોને મળશે વધુ સુવિધા
BHARUCH | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
વેડચ અને ઉબેર ગામે અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ, ગ્રામજનો અને દૂધ ઉત્પાદકોને મળશે વધુ સુવિધા
જંબુસર તાલુકાના વેડચ અને ઉબેર ગામે ધી વેડચ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા નવા અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોને શુદ્ધ તથા ગુણવત્તાસભર દૂધ અને અમૂલની વિવિધ દૂધ બનાવટો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે.
લોકાર્પણ સમારંભ ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ જે. પટેલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ યાદવ સહિત સહકારી અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જંબુસર તાલુકા પ્રમુખ કિરણબા યાદવ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ. કે. પટેલ, દૂધધારા ડેરીના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ અને સાગરભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોની દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ, ધી વેડચ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના હોદ્દેદારો અને સભાસદો તેમજ વેડચ ગામના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન બળવંત સોમા જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
અમૂલ ડેરી પાર્લર શરૂ થવાથી વેડચ, ઉબેર અને આસપાસના ગામોના લોકોને અમૂલની દૂધ તથા દૂધમાંથી બનતી વિવિધ ગુણવત્તાસભર વસ્તુઓ સરળતાથી મળી રહેશે. સાથે જ સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીને પણ નવી પ્રવૃત્તિ સાથે જોડાવાની તક મળશે.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મંડળીની આ પ્રગતિને બિરદાવી હતી અને ગામના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો અને દૂધ ઉત્પાદકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.