માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય કોળી સમાજની દીકરીની હત્યા અંગે પીડિત પરિવારને સાંત્વના અને ઝડપી ન્યાય માટે સમાજની હાકલ
માંડવી: માંડવી તાલુકાના ગોદાવાડી ગામ ખાતે 25 વર્ષીય કોળી સમાજની દીકરીની દુઃખદ હત્યાની ઘટના અંગે જાણ થતાં શ્રી કોળીસમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિઓએ સ્થળ પર પહોંચી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ તેમજ દક્ષિણ ગુજરાત કોળીસમાજ ટ્રસ્ટના મંત્રી એડવોકેટ શ્રી દિનેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના પ્રમુખશ્રીએ દિવંગત દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ દીકરીના પિતાશ્રી તથા સમગ્ર પરિવારને મળી દુઃખની ઘડીમાં સાંત્વના અને આશ્વાસન પાઠવ્યું હતું. સાથે જ દીકરીને યોગ્ય, ઝડપી અને સંપૂર્ણ ન્યાય મળે તે માટે સમાજ તથા સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તમામ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ પણ દીકરીના પિતાશ્રી સાથે સીધી વાતચીત કરી તેમને સાંત્વના તથા ન્યાય માટે આશ્વાસન આપ્યું હતું.
ઉપરાંત, સ્થળ પર હાજર DYSP સાહેબ સાથે પણ સમગ્ર ઘટનાની ગંભીરતા અંગે ચર્ચા કરી હતી અને પોલીસ વિભાગને કેસની તટસ્થ, ગંભીર તથા ઝડપી તપાસ કરી જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી.
દરમિયાન દિવ-દમણના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ તેમજ નવસારીના માજી મંત્રી શ્રી કરશનભાઈ પટેલ સાથે પણ મુલાકાત થઈ હતી. બંને આગેવાનોએ પીડિત પરિવારને ન્યાય મળે તે માટે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી અને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તથા ઝડપી કાર્યવાહી થાય તે માટે હાકલ કરી હતી.
સમગ્ર કોળી સમાજની એક જ માંગ છે —
દિકરીને ઝડપી, નિષ્પક્ષ અને સંપૂર્ણ ન્યાય મળે તથા પીડિત પરિવારને ન્યાયની ખાતરી આપવામાં આવે.
આ દુઃખદ ઘટનામાં પીડિત પરિવાર એકલો નથી. સમગ્ર સમાજ તેમની સાથે છે અને ન્યાયની પ્રક્રિયામાં જરૂરી સહકાર માટે હંમેશા તેમની પડખે ઊભો રહેશે.
???? શ્રી કોળીસમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દક્ષિણ ગુજરાત
“સેવા એ જ માનવતા”