SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
મનોરંજન
વર્ષો જુના સાથણી હકનો કબજો ખેડૂતો ને સોંપાયો
*વર્ષો જૂના સાથણીના હક્કનો કબજો ખેડૂતોને સોંપાયો*
*બદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મહત્વપૂર્ણ કામગીરી સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો અપાયો*
ચોટીલા, તા. 20 ઓગસ્ટ, 2026:
ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાની કામગીરીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર, ચોટીલા દ્વારા વેગ આપવામાં આવ્યો છે. બદલી બાદ ચોટીલા છોડતા પહેલા પણ વર્ષોથી કબજાથી વંચિત રહેલા સાથણીદારોને તેમના હક્કની જમીનનો કબજો સોંપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ચોટીલા તાલુકાના આણંદપુર, કંથારિયા, આંકડિયા, પરબડી, મોણપર, વડાલી, ગોલીડા સહિતના ગામોમાં વર્ષ 2006થી કુલ 508 સાથણીના હુકમો થયેલા હતા. તે પૈકી 289 લાભાર્થીઓ સાથણીની જમીનના વાસ્તવિક કબજાથી વંચિત હતા.
આ તમામ પેન્ડિંગ કબજાઓના નિકાલ માટે છેલ્લા છ મહિનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી જમીનની ઓળખ કરી, જરૂરી માપણી કરાવી અને બે-બે એકરના બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. કુલ 586 એકર જમીન સાથણીદારોને કબજો સોંપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આજરોજ સ્થળ પર જઈને ચિઠ્ઠી દ્વારા પારદર્શક ડ્રો પદ્ધતિથી જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 57 સાથણીદારોને બે-બે એકર મુજબ કુલ 114 એકર જમીનના સર્વે નંબરો સાથે પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા હતા. આ તમામ સાથણીદારો આણંદપુર ગામના રહેવાસી હતા અને તેમને સખપર તથા આણંદપુર ગામની જમીનમાં પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.
બાકી રહેલા સાથણીના તમામ પાત્ર લાભાર્થીઓને આવતીકાલે કબજો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ રીતે વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજાના પ્રશ્નનો તબક્કાવાર નિકાલ કરવામાં આવી રહ્યો છે.
કબજો પ્રાપ્ત કરનાર સાથણીદારોએ વર્ષો બાદ પોતાના હક્કની જમીનનો વાસ્તવિક કબજો મળતા ખુશી વ્યક્ત કરી હતી અને *રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર ગુણવંતસિહ સોલંકી,નાયબ કલેક્ટર . એચ.ટી.મકવાણા મામલતદાર ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા સમગ્ર મહેસૂલી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો*
વર્ષોથી પેન્ડિંગ રહેલા હક્કોના પ્રશ્નોનો સ્થળ પર જઈને નિકાલ કરી, સરકારી જમીનની ઓળખ, માપણી, બ્લોકની રચના અને પારદર્શક ડ્રો દ્વારા કબજો સોંપવાની આ કામગીરી વહીવટી તંત્રની અસરકારકતા અને નાગરિકલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ બની છે.